મોરબીમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકલ્યો છે. આ વિવાદમાં હવે મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા ખેડૂતોના સમર્થનમાં ખુલીને આવ્યા છે. બગથળા ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાકેશ અમૃતિયાએ આક્રમક તેવર બતાવતા ખાનગી કંપની અને સરકારને સીધી ચેતવણી આપી છે.ખેડૂતોની સંમતિ વિના જમીનમાં ઊભા કરવામાં આવતા વીજપોલનો સખત વિરોધ કરતા રાકેશ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, “હવે ખેતરમાં ગરવાય નથી દેવા અને થાંભલા નાખવાય નથી દેવા.” ખેતરમાં ઘૂસીને દાદાગીરીથી કામગીરી કરતી કંપનીઓ સામે રોષ ઠાલવતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કંપનીએ કાં તો પોતાના થાંભલા અહીંથી પાછા લઈ જવા પડશે, નહિતર ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવું પડશે. અડધું કે અન્યાયી વળતર ખેડૂતો કોઈ કાળે ચલાવી લેશે નહીં.રાકેશભાઈએ પોતાના ભાષણ દરમિયાન સીધું ગાંધીનગર તરફ નિશાન સાધતા ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગાંધીનગર વાળા જાઈ લેજા, સાતમ પછી કાળુભાઈ કાળીનો એક્કો કાઢે છે કે નહિ…” આ નિવેદન દર્શાવે છે કે જા જન્માષ્ટમીના તહેવારો પછી પણ ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો તેઓ રાજકીય રીતે કોઈ મોટું કદમ ઉઠાવી શકે છે અથવા મોટું આંદોલન છેડી શકે છે.ખેડૂતોને મળવા પાત્ર વળતર અંગે ચાલતી ગોળ-ગોળ વાતો અને અફવાઓને તેમણે સદંતર નકારી કાઢી હતી. રાકેશ અમૃતિયાએ કંપની અને તંત્રના લોકોને આડે હાથ લેતા કહ્યું કે, “૮૦-૯૦ લાખ દેવા એવી ખોટી વાતો બંધ કરો અને અમારી માંગણી સંતોષો.” ખેડૂતોને યોગ્ય, ન્યાયી અને સન્માનજનક વળતર મળે તે જ તેમની મુખ્ય અને એકમાત્ર માંગ છે, જેમાં તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.બગથળા ગામે યોજાયેલી આ ખેડૂત સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. નારી શક્તિનો આ અદભુત જુસ્સો જાઈને રાકેશભાઈ પણ પ્રભાવિત થયા હતા. તેમણે રમૂજ સાથે ગર્વથી કહ્યું હતું કે, “પેલા મને એમ થતું કે આ જેતપર કાનાભાઈ વાળુ થશે, પણ કાનાભાઈ વાળુ થવાને બદલે આતો બાયું વાળુ થયું.” મહિલાઓની આટલી મોટી હાજરી દર્શાવે છે કે ખેડૂતોની જમીન બચાવવાનું આ આંદોલન હવે માત્ર ખેડૂત આગેવાનો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દરેક ઘર અને પરિવારની મહિલાઓ પણ હવે રણમેદાનમાં ઉતરી છે.