આજકાલ સાયબર ઠગ ટોળકીઓ નવા-નવા પેંતરા અજમાવી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. જાફરાબાદમાં એક વેપારીના વોટ્સએપ પર આવેલી શંકાસ્પદ લિંક દ્વારા મોબાઈલ હેક કરી, તેના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૧,૬૬,૬૬૦ – ઉપાડી લઈને બે મોંઘા આઈફોન મંગાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જાફરાબાદમાં રહેતા વેપારી ચેતનભાઇ જીવનભાઇ બાંભણીયા (ઉ.વ.૩૬) એ જાહેર કર્યા મુજબ, ૬ જાન્યુઆરીના રોજ ફરિયાદીના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ‘Parivahan sewas.apk’ નામની એક એપ્લીકેશન મોકલવામાં આવી હતી. આ મેસેજમાં ફરિયાદીના ટ્રેક્ટરનો નંબર લખેલો હોવાથી તેને વિશ્વાસ બેઠો હતો અને તેણે ચાર-પાંચ દિવસ બાદ આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી હતી.તા. ૧૪ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મોબાઈલ પર અચાનક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે તેના ICICI બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૧,૬૬,૬૬૦ કપાઈ ગયા છે. જ્યારે વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના ફિ્લપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરીને છ Apple iPhone 17 (256 GB) ના બે મોંઘા ફોન ઓર્ડર કરવામાં આવ્યા હતા.ફરિયાદીએ ફિ્લપકાર્ટમાં ઓર્ડર આઈડી ચેક કરતા માલૂમ પડ્યું કે આ બંને આઈફોન જયપુર (રાજસ્થાન)ના એક સરનામે ડિલીવર પણ થઈ ચૂક્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે જે ‘M Parivahan’ નામની એપ નાંખી હતી, તેણે ફોનનો તમામ ડેટા અને કંટ્રોલ હેકર્સને આપી દીધો હતો. જાફરાબાદ પોલીસે આ મામલે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.









































