જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તળપદા કોળી સમાજ દ્વારા ૧૪મો સમૂહલગ્ન સમારોહ ભવ્ય રીતે આયોજિત થયો હતો. આ સમારોહમાં ૩૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. ભૂદેવોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ સાથે તમામ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી અને નવદંપતીઓને વિશાળ કરિયાવર આપવામાં આવ્યો હતો.
આ સમૂહલગ્ન સમારોહની ખાસિયત એ છે કે કન્યાના લગ્ન પ્રસંગે લગ્ન મંડપ તેમના પોતાના ઘરે જ રાખવામાં આવે છે તથા સમૂહ ભોજનનું વિશાળ જનમેદની સાથે ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવે છે. દરેક દીકરીને પોતાના ઘરેથી જ વિદાય આપવામાં આવે છે. સમારોહમાં વઢેરા ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, રાજકીય હસ્તીઓ, સામાજિક કાર્યકરો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.