જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે તળપદા કોળી સમાજ તથા ગામ સમસ્ત દ્વારા ૧૧મો સમૂહલગ્ન સમારોહ કડીયાળી ગેલ અંબે માતાના મંદિરના પટાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહલગ્ન સમારોહમાં ૨૭ નવદંપતીઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. સાધુ-સંતો અને ભૂદેવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમારોહમાં કન્યાઓને વિશાળ કરિયાવર સાથે વિદાય આપવામાં આવી.
સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહલગ્નની વિશેષતા એ છે કે દીકરીઓને પોતાના ઘરેથી જ વિદાય આપવામાં આવે છે અને લગ્ન મંડપ પણ તેમના ઘરે જ રાખવામાં આવે છે.
સમારોહ દરમિયાન ગણેશ ગ્રુપ, બજરંગ બલી ગ્રુપ, નવદુર્ગા મંડળ, ગેલ અંબે ધૂન મહિલા મંડળ, ગેલ અંબે ડાયમંડ ગ્રુપ, સીતારામ ગ્રુપ, વીર માંધાતા ગ્રુપ, બાપા સીતારામ મંડળ, ખોડિયાર ગરબી મંડળ અને અન્નપૂર્ણા યુવતી મંડળ સહિતના સેવાકીય મંડળોએ ઉત્સાહપૂર્વક સેવા પૂરી પાડી હતી.










































