ખાંભા તાલુકાના ચતુરી ગામમાં પાંચ વર્ષના બાળક જિયાન પર સિંહના હુમલામાં મોત નીપજ્યા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ મામલાને ગંભીરતાથી લઈ વનપ્રધાન અર્જુન મોઢવાડિયાને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ ચતુરી ગામની મુલાકાત લઈ મૃતક બાળકના પરિવારને સાંત્વના આપી હતી તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકના મોતની રાતથી જ ખાંભા તુલસીશ્યામ રેન્જ અને જસાધાર રેન્જની ટીમો ગામ અને આસપાસના વિસ્તારમાં સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવતી હતી. શરૂઆતમાં પાંચ સિંહને પાંજરે પૂરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે વધુ ત્રણ સિંહને સફળતાપૂર્વક પાંજરે પૂરાતા કુલ આઠ સિંહ કબ્જે લેવામાં આવ્યા છે.