રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચની શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. કેમ કે, હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ હીટવેવનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાત દિવસમાં ૨થી ૩ ડિગ્રી તાપમાન વધશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ૮થી ૧૦ માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દિવ, સુરત, ભરૂચ નવસારી વલસાડ દાદરા નગર હવેલી કાળઝાળ ગરમી પડશે, તો આઠ માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્યું કે, હાલની સ્થિતિને જાતાં પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી છે. આજે અને કાલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે.

૮ માર્ચે દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ભાવનગર અને દીવના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે.  ૯ માર્ચે દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણના જિલ્લાઓમાં; સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ભાવનગર અને દીવના જિલ્લાઓમાં હિટવેવની સંભાવના છે.

૧૦ માર્ચ સુધી દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ભાવનગર અને દીવના જિલ્લાઓમાં ગરમીનું હિટવેવની સંભાવના છે.