મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટરોની ૧૧મી માર્ચના રોજ અવધિ પૂર્ણ થઈ રહી છે. ત્યારે સંભવતઃ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીની આખરી બેઠક મળી હતી. આખરી બેઠકમાં અધધ ૪૭૦ કરોડ રૂપિયાના વિકાસ કામોને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૧૧૫ દરખાસ્તો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે ૧૧૫ દરખાસ્તો પૈકી ૧૦૬ જેટલી દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી છે. જ્યારે કે, નવ જેટલી દરખાસ્તોને હાલ પેન્ડીંગ રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલી દરખાસ્તમાં મુખ્ય પ્રોજેક્ટ્સમાં રૂ. ૨૨૦ કરોડનો ગ્રીન રિંગરોડ, રૂ. ૩૦ કરોડનું આજીડેમ ખાતે નવું ફાયર સ્ટેશન સાથે સ્ટાફ ક્વાર્ટર્સ, જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન અને નવું આરોગ્ય કેન્દ્ર-સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ છે. કર્મચારીઓની તબીબી સહાય રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બિનજરૂરી રૂ. ૯૦ કરોડના કામો અટકાવીને પ્રજાના પૈસાનો સદુપયોગ કર્યો છે. તેમજ જરૂરી વિકાસલક્ષી કાર્યો માટે રૂ. ૨૫૬ કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કેટલા સમયમાં કરવામાં આવે છે તે પણ જોવું અતિમહત્વનું બની રહેશે.
ચેરમેન જયમીન ઠાકરે વધુમાં કહ્યું કે, ભગવતીપરા નાલું, ઓમ પાર્ક બ્રિજ, રસ્તા-જાળવણી અને કેટલીક પાઇપલાઇનની દરખાસ્તોને નામંજૂર અથવા પેન્ડીંગ રાખવામાં આવી છે. આગામી ચૂંટણી પહેલાં મંજૂર થયેલા કામોનો અમલ કેટલો થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. ત્યારે હાલ તો રાજકોટ મહાનગરપાલિકાની આખરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક નાણાકીય દૃષ્ટિએ જમ્બો બેઠક બની ચૂકી હોવાનું સામે આવ્યું છે.










































