શહેરના ખોજાખાના વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં શિવગંગા ટોબેકો નામની દુકાન ધરાવતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન સંજયભાઈ મનોહરભાઈ જશવાણીનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.સંજયભાઈ સવારે નિત્યક્રમ મુજબ પોતાની દુકાનનું લોખંડનું શટર ખોલી રહ્યા હતા, ત્યારે જ અચાનક ભારે વીજ કરંટ લાગતાં તેઓ ઢળી પડ્‌યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, દુકાન ઉપરના લોખંડના પતરા પરથી પસાર થતો ઇલેક્ટ્રિક વાયર અડી જતાં શોર્ટ સર્કિટ થયું હતું. સ્થાનિક વેપારીઓ અને પરિવારજનોએ PGVCLની ઘોર બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાયો હતો.