ઉના તાલુકાના કાળાપાણ ગામના પરિવાર સાથે સાતમ-આઠમના તહેવાર દરમિયાન ઘરે પરત ફરતી વેળાએ ઉટવાળા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શીતળામાતા મંદિર પાસે માલણ નદી નજીક રેતી ભરેલા ટ્રેક્ટરે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર લક્ષ્મીબેન ભાણાભાઈ વાજા નીચે પટકાયા હતા. ટ્રેક્ટરનું ટાયર તેમના પરથી ફરી વળતા ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. અકસ્માતમાં જીણાભાઈ મસરીભાઈ વાજા અને મનુભાઈ ભાણાભાઈ વાજાને ઈજાઓ પહોંચી હતી. મનુભાઈને માથાના ભાગે ઈજા થતાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. માલણ નદીમાંથી રેતી ઉપાડવાના મુદ્દે સ્થાનિકોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.