ખાંભાના મોટા સમઢીયાળા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ‘આ જમીન અમારી છે, અહીં તમે પગ મૂકતા નહીં નહીંતર તમને જાનથી મારી નાખીશું’ કહી ધમકી આપી હતી તેમજ ઢીકાપાટુનો આડેધડ મૂઢમાર પણ માર્યો હતો. બનાવ સંદર્ભે કેતનભાઈ ઘનશ્યામભાઈ શેલડીયાએ દર્શકભાઈ પ્રફુલભાઈ શેલડીયા, પ્રફુલભાઈ મનસુખભાઈ શેલડીયા તથા સંજયભાઈ મનસુખભાઈ શેલડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની વડીલોપાર્જિત જમીનના ભાયુભાગ પડ્‌યા ત્યારે તેમની જમીનમાં સહિયારો કૂવો આવેલો હતો, જે બુરાઈ ગયો હતો. આ જગ્યામાં તેઓ તથા તેમના પિતા નજીક આવેલો રસ્તો સરખો કરવાનું કામ કરતા હતા, તે વખતે દર્શકભાઈ પ્રફુલભાઈ શેલડીયા હાથમાં પાઇપ લઈને આવ્યા હતા અને તેમના પિતા ઘનશ્યામભાઈને જમણા પગમાં એક ઘા માર્યો હતો. તેમજ તેમને પાટુ મારી નીચે પછાડી દીધા હતા અને ગળાના ભાગે નખ મારીને તથા ઢીકાપાટુનો આડેધડ મૂઢમાર માર્યો હતો.થોડી વારમાં અન્ય આરોપીઓ પણ આવ્યા હતા અને ત્રણેય આરોપીઓએ તેમને તથા તેમના પિતા ઘનશ્યામભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત, ‘આ જમીન અમારી છે, અહીં તમે પગ મૂકતા નહીં નહીંતર તમને જાનથી મારી નાખીશું’ એવી ધમકી આપી હતી.