અમરેલી શહેરના સાવરકુંડલા ચોકડી નજીક આવેલા લાઠી બાયપાસ રોડ પર મંગળવારે રાત્રે અંદાજે ૯ વાગ્યે હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના બની હતી. અજાણ્યા ટ્રકચાલકે રસ્તા પર રહેલી ત્રણ ગાયોને અડફેટે લેતાં બે ગાયોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રીજી ગાય ટ્રક નીચે ફસાઈ જતાં આશરે અડધો કિલોમીટર સુધી ઢસડાઈ હતી, જેના કારણે તેનું પણ મોત થયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગૌપ્રેમીઓ, માલધારી સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. એકસાથે ત્રણ ગાયોના મોતથી વિસ્તારમાં ભારે શોક અને રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ બાયપાસ રોડ પર બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.









































