સુપ્રીમ કોર્ટની વારંવાર ટકોર બાદ પણ રખડતાં શ્વાનોને કાબૂમાં લેવા ન તો તંત્ર તસ્દી લઈ રહ્યું છે ન તો સરકાર, સામાન્ય નાગરિકો રોજ બરોજ રખડતાં શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે. આજે ૩ ફ્રેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે શ્વાને ભયનો માહોલ ઊભો કર્યો છે. એક બાળક સહિત ૬ વ્યક્તિઓને બચકાં ભરી  લેતા ઈજાગ્રસ્તો લીલીયા સિવિલમાં સારવાર અને રસી લેવા માટે મજબૂર બન્યા છે. મોટાલીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં રખડતાં શ્વાન હાલ આતંક મચાવી રહ્યા છે. ૬ લોકો ઉપરાંત ૨ વાછરડી, ૫ ગાયો, ૧ પાડી સહિત ૮ પશુઓને પણ શ્વાન કરડી ગયું છે. અતિશય ત્રાસ હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા શ્વાન પકડવાની તસ્દી લેવાઈ નથી જે કારણે અન્ય લોકો પણ ભોગ બને તેવી શક્યતાઓ છે.