અમરેલી જિલ્લામાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘સેવા અને સુશાસનના ૨૫ વર્ષ’ વિષય પર ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પ્રતિભા દર્શાવવાની તક મળી હતી.જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. અમરેલી તાલુકાની સ્પર્ધામાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારી તાલુકાની સ્પર્ધામાં ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સ્પર્ધામાં ધોરણ ૬થી ૮, ધોરણ ૯ અને ૧૦ તથા ધોરણ ૧૧ અને ૧૨ એમ ત્રણ જૂથમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં બાળકોએ વિકસિત ભારત તથા સુશાસન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તાલુકાકક્ષાના વિજેતાઓ તા. ૩ ઓક્ટોબરે અમરેલીની દીપક હાઇસ્કૂલ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.