અમરેલી જિલ્લામાં હાર્ટ એટેક સહિત વિવિધ અકસ્માત અને બનાવોમાં ૩ લોકોનાં મોત નિપજ્યાં હતાં.પ્રથમ બનાવમાં ધારીના ખોખરા મહાદેવ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ નાનુભાઈ માથાસુળીયા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, વિજયભાઈ નાનુભાઈ માથાસુળીયા (ઉ.વ.૨૫) ઘરનો સામાન લેતા હતા ત્યારે બોટલનું ઢાંકણું ખુલતું ન હોવાથી મોઢા વડે ખોલવા જતાં અચાનક બોટલમાં રહેલી ઝેરી દવા મોઢામાં જતી રહી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં બગસરાના માવજંજવા ગામે રહેતા બાલુભાઈ બચુભાઈ ઢોલરીયા (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, શિવાનીબેન ઉમેશભાઈ ઢોલરીયા (ઉ.વ.૨૩)ને હાર્ટ એટેક આવતાં તેમનું મરણ થયું હતું. યુવાન પરિણીતાના મોતને પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. ત્રીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા બાબુભાઈ બચુભાઈ બોરીસાગર (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ બોરીસાગર (ઉ.વ.૩૮) આર્થિક સંકડામણમાં રહેતા હોવાથી કંટાળીને પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેમનું મરણ નીપજ્યું હતું.