અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકામોને વેગ આપવાના ભાગરૂપે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કેરિયાચાડ અને કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે વિવિધ જનસુખાકારીના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના સામાન્ય લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચાડવાની નેમ સાકાર થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસને વધુ ગતિ આપવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વિકાસકામોની
શ્રૃંખલા અંતર્ગત કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે ગ્રામજનોની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરવામાં આવી હતી. અહીં રૂ. ૧૦ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી. બ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાકા બ્લોક રોડના નિર્માણથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં સરળતા રહેશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર કાદવ અને પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને રાહત મળશે અને આવન-જાવનની સુવિધામાં વધારો થશે.આ ઉપરાંત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કેરિયાચાડ મુકામે ગ્રામ્ય વિસ્તારને જોડતા આધુનિક સુવિધાપથનું પણ વિધિવત લોકાર્પણ કર્યું હતું. સુવિધાપથના નિર્માણથી સ્થાનિક પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકોની અવરજવર સાથે સ્થાનિક વેપાર અને અન્ય પ્રવૃત્તિઓને પણ સુવિધા મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ગામના વડીલો અને યુવાનો સાથે જીવંત સંવાદ સાધી ગ્રામ્ય સ્તરે ચાલી રહેલા વિકાસકામો તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ગ્રામજનોએ વિવિધ વિકાસલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.







































