ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષકઓની સૂચનાથી અમરેલી એલ.સી.બી. દ્વારા દારૂબંધી અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલાની આગેવાની હેઠળની ટીમે અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે સફળ વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ફોરવ્હીલ કારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર કરી રહેલા બે આરોપીઓ, દિલીપ ભાઈ છગનભાઈ મોકરીયા (રહે. જૂનાગઢ) અને રમેશભાઈ વશરામભાઈ એરડા (રહે. કેશોદ)ને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૨૯ બોટલો (કિંમત રૂ. ૧,૫૧,૦૬૭/-) અને એક મારૂતિ સુઝુકી એસ-ક્રોસ કાર (કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/-) મળીને એકંદર રૂ. ૫,૫૧,૦૬૭/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.