કોડીનાર શહેરમાં જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી એસ.કે. સ્કૂલ પાસે અકસ્માતની ઘટના બની હતી. જીન પ્લોટ વિસ્તારમાં રહેતા સવિતાબેન જીતેન્દ્રભાઈ ચુડાસમા (ઉં.વ.૪૫) દીકરીને સ્કૂલે મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રોણાજ રોડ તરફથી આવતી મોટરસાયકલે તેમને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક રા.ના. વાળા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ સ્કૂલ નજીક ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ ઉઠી છે.