ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમરેલીના નાગનાથ મંદિર ખાતે કડિયા નાકા પાસે શરૂ કરાયેલા ભોજન બૂથનું રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ શ્રમિકોને પોતાના હાથે ભોજન પીરસીને પ્રારંભ કરાવ્યો હતો. યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫માં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન મળશે. અઠવાડિયામાં એક વખત સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરાયો છે.અમરેલી ઉપરાંત સાવરકુંડલાના ગાંધી ચોક, રાજુલામાં સિવિલ હોસ્પિટલ પાસે, ધારીમાં નવી વસાહત રોડ પર અને કુંકાવાવના જૂના બસ સ્ટેશન પાસે પણ ભોજન બૂથ શરૂ કરાયા છે. ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકો ક્યુ.આર. કોડ અથવા નંબરનું સ્કેનિંગ કરાવી ભોજન મેળવી શકશે. કાર્ડ ન હોય તેવા શ્રમિકો માટે સ્થળ પર હંગામી નોંધણીની વ્યવસ્થા છે, જેના આધારે ૧૫ દિવસ સુધી લાભ મળશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય આશિષ અકબરી, મધુભાઈ હરખાણી સહિત પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































