અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા.દાહોદના ધાનપુર તાલુકાના ગાંગડી ફળિયાના અને હાલ લાઠીના ધ્રુફણીયા ગામે વાડીએ રહેતા વિજયભાઈ બચુભાઈ અમલીયાર (ઉં.વ.૨૦)એ જાહેર કર્યા મુજબ, તેમની બહેનને તેમની સાથે કપડાં લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આથી તેમણે લાફો મારતાં બહેનને લાગી આવ્યું હતું અને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતાં સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું. બીજા બનાવમાં લીલીયાના દાડમા ગામે રહેતા જયસુખભાઈ પરશોત્તમભાઈ આસોદરા (ઉં.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, મહેશભાઈ પરશોત્તમભાઈ આસોદરા (ઉં.વ.૩૦)ને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. જે બાબતે લાગી આવતાં ખડ બાળવાની ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું. ત્રીજા બનાવમાં ખાંભાના પીપળવા ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ ઝાલા (ઉં.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, જયદીપભાઈ દિનેશભાઈ ઝાલા (ઉં.વ.૨૩)ના પત્ની ચાર દિવસથી પિયરમાં રિસામણે જતાં રહ્યાં હતાં. જે વાતનું લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચોથા બનાવમાં વડિયામાં રહેતા અર્જુભાઈ વિપુલભાઈ રાવરાણી (ઉં.વ.૧૮)એ જાહેર કર્યા મુજબ, વિપુલભાઈ ભગવાનભાઈ રાવરાણી (ઉં.વ.૪૭)એ ખટારા (ટ્રક)ની લોન લીધી હતી. જેના હપ્તા વધી ગયા હોવાથી આર્થિક સંકડામણના લીધે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.