અમરેલીમાં બદનામી કરતી વાતો ફેલાવવાની શંકાના આધારે એક યુવકનું અપહરણ કરી, તેને માર મારી અકુદરતી કૃત્ય આચરવા તેમજ તેનો વીડિયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર બનાવ અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે ફરિયાદીએે બળવંતભાઇ કાળુભાઇ રાઠોડ તથા હિરલભાઇ સંજયભાઇ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓને શંકા હતી કે ફરિયાદી યુવક ગામમાં તેમના વિશે વાતો ફેલાવી બદનામી કરી રહ્યો છે. આ બાબતનું મનદુઃખ રાખી બંને આરોપીઓએ તેને બુલેટ પર બેસાડી રંગપુર રોડ પર આવેલા નીલકંઠ ફાર્મની સામે નદીના પટમાં આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા.ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ તેની સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુંનો માર માર્યો હતો તેમજ એક આરોપીએ પીઠના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ એક આરોપીએ તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જ્યારે બીજા આરોપીએ આ સમગ્ર કૃત્યનો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો. આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ બંને આરોપીઓએ બનાવ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.