રાજુલાના કોટડી ગામે એક પુરુષને છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.પ્રથમ પક્ષે ભુપતભાઈ વીરાભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ લાલભાઈ કિશોરભાઈ વરૂ તથા રવિભાઈ હરેશભાઈ વરૂ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ હરેશભાઇ પોતાની વાડીએથી ઘર તરફ આવતા હતા, તે દરમિયાન સામેથી લાલભાઈ વરૂની ટુ-વ્હીલર આવતા હરેશભાઇએ પોતાની ટુ-વ્હીલર સાઇડમાં દબાવી દીધી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈ આરોપીઓ સાહેદ હરેશભાઇ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી તેમને બોલાચાલી કરતા રોકતા આરોપીઓ ગાળો દેવા લાગ્યા હતા. આથી તેઓ અને સાહેદ હરેશભાઇ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ અગાઉ થયેલી બોલાચાલીનો રાગદ્વેષ રાખી હરેશભાઇને છરી વડે ડાબા પડખા, ખભા અને જમણા હાથના અંગૂઠાના ભાગે ઘા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીને પણ છરીથી ડાબા પગે ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે પ્રકાશભાઈ ઉર્ફે ભયલુભાઈ કિશોરભાઈ વરૂ (ઉ.વ.૫૦)એ હરેશભાઇ ખોડાભાઇ મકવાણા તથા ભુપતભાઇ વીરાભાઇ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ લાલભાઇ પોતાનું મોટરસાયકલ લઇને જતા હતા તે દરમિયાન કોટડી ગામે બસ સ્ટેન્ડ પાસે આરોપીઓએ તેમના ભાઇ તરફ મોટરસાયકલ નાખ્યું હતું. જે બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ તેમના ભાઇ લાલભાઇને ગાળો આપી તેમજ છરી વડે છાતી, પેટ, પડખાં તથા ડાબા પગના સાથળના ભાગે એમ ચાર જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.




































