અમરેલી સ્થાનિક ગુના શાખાએ હોટલોમાં રોકાવાના બહાને ચોરી અને છેતરપિંડી કરનાર એક શખ્સને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી જીકેશ રાજેશભાઈ પાનસુરીયા રહે. પાસોદર પાટીયા, સુરતવાળો હોટલમાં ગ્રાહક તરીકે રોકાતો અને વિશ્વાસ કેળવી રોકડ રકમ મેળવી ફરાર થઈ જતો હતો. ઉપરાંત તક મળતા હોટલના કાઉન્ટર અથવા આસપાસના સ્થળેથી ચોરી પણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન આરોપીએ અમરેલી ઉપરાંત ઉના, રાજકોટ, પોરબંદર, વેરાવળ, જામનગર, જુનાગઢ, વડોદરા, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ચોરી અને છેતરપિંડીના અનેક બનાવોની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં હોટલના કાઉન્ટરમાંથી રોકડ રકમ ચોરી કર્યાની તેમજ અન્ય સ્થળોએ વિશ્વાસમાં લઈને રોકડ મેળવી ભાગી જવાની રીત અપનાવતો હોવાનું ખુલ્યું છે.તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અલગ અલગ હોટલોમાં થોડા દિવસ રોકાતો, ત્યારબાદ વિશ્વાસમાં લઈ રોકડ રકમ મેળવી ત્યાંથી નીકળી જતો હતો. કેટલાક બનાવોમાં અન્ય લોકો પાસેથી પણ રોકડ મેળવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તમામ ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ બનાવોમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે. આરોપીની ધરપકડથી અમરેલી અને ઉનાના અગાઉના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું પોલીસે જણાવ્યું છે.
૧૦ સ્થળોએ હોટલમાં રોકાઈને છેતરપીંડી આચરી
આરોપી જીકેશ રાજેશભાઈ પાનસુરીયા ગમે તે શહેરમાં આવેલી હોટલમાં રોકાતો અને મેનેજર કે બાજુમાં આવેલી દુકાનેથી ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરવાનુ કરી છેતરપીંડી આચરતો હતો. ઘણીવાર હોટલ મેનેજરને વિશ્વાસમાં લઈ તેની પાસેથી નાણા મેળવી રાતોરાત રફુચક્કર થઈ જતો હતો. જા કે અમરેલી એલસીબીએ ફરિયાદના આધારે સુરતના શખ્સને ઝડપા પાડ્યો હતો.
અમરેલીમાં ચોરી કરવાનું ભારે પડ્યુ
સુરતના શખ્સે વિવિધ શહેરોમાં છેતરપીંડી કર્યા બાદ અમરેલી બસ સ્ટેશનમાં આવેલી હોટલ વેલકમ ઈનમાં રોકાયો હતો અને ગત તા.રપના રોજ સવારના ૩ વાગ્યે હોટલના કાઉન્ટર પર કોઈ ન હોય જેથી પોતે ચાવી વડે કાઉન્ટરનું ડ્રોવર ખોલી રૂ.ર૧,૦૦૦ ઉઠાવી લીધા હતા. જા કે આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા એલસીબીના હાથે સુરતનો શખ્સ દબોચાયો હતો.








































