ગાંધી જયંતિ નિમિત્તે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ- વિદ્યાસભા, અમરેલી દ્વારા પ્રમુખ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અને નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમો તેમજ વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, નશાબંધી અધિકારી એસ.પી. જાડેજા અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસ ગેટથી શરૂ થયેલી આ રેલીમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈ નગરજનોને સ્વચ્છતા અને નશામુક્તિનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ મોટા બસ સ્ટેન્ડ ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું તેમજ દુકાનદારોને સ્વનિર્મિત ડસ્ટબિન વિતરણ કરી ‘સ્વચ્છ અમરેલી-સ્વસ્થ અમરેલી’નો સંદેશો પાઠવ્યો હતો. સાથે જ લોકોને વ્યસનથી દૂર રહેવા જાગૃત કર્યા હતા.

































