અમરેલી શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા યોજવામાં આવતા સાયબર ક્રાઈમ સેમિનારનો ફિયાસ્કો થયો હોય તેમ ઉપરાછાપરી આવી ઘટના સામે આવી રહી છે. અમરેલી શહેરમાં ટ્રાફિક મેમોના નામે આવેલી એક લિંકે પરિવારના ચાર સભ્યોના ખાતામાંથી રૂ.૭.૨૮ લાખ સાફ કર્યા હતા. આ અંગે મિલનભાઇ રસીકભાઇ ગઢીયા (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઇસમ જેણે તેમને તથા તેના મિત્ર સાહેદનો ફોન હેક કરી RTO Traffic Challan 500(2).apk વાયરલ કરી UCO BANK ના ખાતા નંબર ૪૨૪૦૧૧૦૧૦૦૯૩૬ તથા UPI થી પેમેન્ટ ઓળવી જનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મુજબ, ફરિયાદીના મિત્રનો મોબાઈલ અગાઉથી જ હેક થયેલો હતો. ઠગોએ મિત્રના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી ફરિયાદી અને તેમના ગ્રુપમાં ‘RTO Traffic Challan 500(2).apk’ નામની ફાઈલ મોકલી હતી. ફરિયાદીને લાગ્યું કે આ મેસેજ તેમના મિત્રએ મોકલ્યો છે, તેથી તેમણે શંકા કર્યા વિના તે ફાઈલ ડાઉનલોડ કરી હતી. ફરિયાદીએ જેવી આ એપ્લિકેશન ખોલી અને તેમાં પોતાની એક્ટિવા ગાડીના મેમાની વિગતો જોવા માટે નેટ બેંકિંગની ડિટેલ્સ સબમિટ કરી, કે તુરંત જ તેમનો મોબાઈલ સાયબર ઠગોના તાબામાં આવી ગયો હતો. ઠગોએ ફરિયાદીના મોબાઈલમાંથી તમામ ગોપનીય બેંકિંગ વિગતો મેળવી લીધી હતી.આરોપીઓએ માઈન્ડ વાપરીને ફરિયાદી, તેમની પત્ની અને પુત્ર-પુત્રી એમ પરિવારના ચારેય સભ્યોના અલગ-અલગ HDFC બેંકના ખાતાઓને નિશાન બનાવ્યા હતા. ઠગોએ આ ચારેય ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ.૭,૨૮,૦૦૦/- ઉપાડી લીધા હતા. આ નાણાં UCO બેંકના એક ખાતામાં અને વિવિધ UPI આઈડી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોતાના આખા પરિવારની જમા મૂડી સાફ થઈ જતાં ફરિયાદીએ અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાની વિગતોના આધારે તપાસ શરૂ કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. કે. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.










































