બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રોકડ રકમની અછત, એટીએમ અને લોકર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે ખાતેદારો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે કોટડાપીઠાના યુવા સરપંચ સત્યજીતભાઈ વાળાએ બ્રાન્ચ મેનેજર તેમજ ભાવનગર રિજીયોનલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. હાલના સમયમાં કૃષિ સહાય પેકેજ તેમજ નાફેડ દ્વારા મગફળી અને કપાસની ખરીદીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે. પરંતુ બેંકમાં પૂરતી રોકડ રકમ (કેશ) ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને નિયત સમયે તેમના રૂપિયા મળતા નથી. વળી, હાલ લગ્નસરાની સિઝન હોવાથી લોકોને પ્રસંગોચિત રકમની જરૂરિયાત હોય છે, જે ન મળતા ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેંકમાં અવારનવાર સંઘર્ષના બનાવો પણ બની રહ્યા છે.