શહેરના સરખેજ વિસ્તારમાંથી સળગેલી હાલતમાં મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગણતરીની કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. મૃતક આરોપી વિશે પોલીસને બાતમી આપતો હોવાની આશંકા રાખીને તેની હત્યા કરી દેવામાં આવી બાદમાં ડીઝલ નાંખી તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો. જા કે પોલીસના સતર્ક પેટ્રોલિંગે એક પરિવારને ન્યાય મળ્યો છે.
સરખેજ પોલીસની સતર્કતાએ એક હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. સરખેજ પોલીસ રવિવારે મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે વણઝર ગામ સાબરમતી નદીના પટમાં આગ જેવા દૃશ્યો જાવા મળ્યા હતા. પોલીસને કંઈ શંકાસ્પદ લાગતા જ પોલીસ નજીક પહોંચી હતી. જા કે આ સમયે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ આગ બીજું કંઈ નહીં એક યુવકની હત્યા કરી દીધા બાદ તેને સળગાવી દેવામાં આવ્યો હતો.
પોલીસ કર્મીઓએ આગ બુઝાવીને સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અધિકારીઓને કરી હતી અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લાશને પેટ્રોલ કે ડીઝલ નાખીને સળગાવવામાં આવી હોવાની શંકા જતા પોલીસે આસપાસના પેટ્રોલપંપના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક પેટ્રોલ પંપ પર મોડી રાત્રે બે વ્યક્તિઓ કેરબામાં ડીઝલ ખરીદીને ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સીસીટીવીના આધારે આ બંને શખ્સોની શોધખોળ કરીને તેમની પૂછપરછ કરતા તેઓના નામ જગદીશ ઠાકોર અને દીપક રાવળ હોવાનું જાણવા મળ્યું હતું. જે બંને કમોડ ગામના રહેવાસી છે અને સરખેજના ચુનારા વાસમાં રહેતા જીતેન્દ્ર ચુનારાએ તેઓને આ હત્યા કરવા માટે જાણ કરી હતી. મૃતક યુવક જાવેદ ઉર્ફે મરઘી સિપાઈ રિક્ષા ચલાવતો હોવાથી જગદીશ અને દીપક તેની રિક્ષામાં ધોળકાથી પેસેન્જરના સ્વાંગમાં બેસીને વણઝર ગામ પાસે લાવ્યા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓએ ભેગા મળીને જાવેદને માર મારી તેની હત્યા નીપજાવી દીધી હતી. બાદમાં તેની લાશને પાણીમાં ફેંકી બહાર કાઢીને તેના પર લાકડા નાખી ડીઝલની મદદથી સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જીતેન્દ્ર ચુનારા વિરુદ્ધમાં ખેડાના માતર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં તે નાસતો ફરતો હતો. જા કે જેની બાતમી જાવેદે આપી હોવાની આશંકા તેને હતી. જેથી તેણે આ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે આ હત્યા પાછળ હકીકતમાં આ જ કારણ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








































