તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આજે પાર્ટી સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી છે. પ્રસ્તાવિત મતવિસ્તાર સીમાંકન પ્રક્રિયાના સંભવિત પરિણામોની ચર્ચા કરવા માટે સીએમ સ્ટાલિને અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, જે સંભવિત રીતે તમિલનાડુને અસર કરશે. આ બેઠકમાં રાજ્યના રાજકીય પ્રતિનિધિત્વ પર થતી અસર અને સંસદીય બેઠકોના પુનઃવિતરણની વાજબીતા અંગેની ચિંતાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩, લોકસભામાં સીમાંકન પ્રક્રિયા સાથે જાડાયેલો છે. તેથી, સરકારે ગૃહમાં બેઠકોની સંખ્યા વધારીને ૮૫૦ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જેમાં ૮૧૫ રાજ્યો માટે અને બાકીની ૩૫ કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનામત રાખવામાં આવી છે. લોકસભામાં હાલમાં ૫૪૩ બેઠકો છે.
એમકે સ્ટાલિન, અન્ય ઘણા વિપક્ષી નેતાઓ સાથે મળીને આ મુદ્દો ઉઠાવ્યો છે કે પ્રસ્તાવિત બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬, લોકસભામાં બેઠકોની સંખ્યામાં પ્રમાણસર ધોરણે વધારો કરતું નથી અને કથિત રીતે ગૃહમાં દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડશે.
એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને પ્રસ્તાવિત સીમાંકન કવાયત અંગે કડક ચેતવણી આપી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે યોગ્ય પરામર્શ કર્યા વિના બંધારણીય સુધારો “બળજબરીથી લાદવાનો” ઇરાદો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે જા રાજ્યના હિતોને નુકસાન થશે અથવા દક્ષિણના રાજ્યોને અપ્રમાણસર અસર થશે તો તમિલનાડુ એક વિશાળ આંદોલન શરૂ કરશે.
એક વીડિયોમાં, મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું, “હું તમિલનાડુના દરવાજા સુધી પહોંચેલા ગંભીર ભય વિશે વાત કરું છું અને કેન્દ્રની ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપું છું. ભારે ચૂંટણી પ્રચાર વચ્ચે પણ આ ફરજને અવગણી શકાય નહીં. આવતીકાલે, ૧૬ એપ્રિલે સંસદનું એક ખાસ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. ચોક્કસ કહીએ તો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ વચ્ચે તેને બળજબરીથી બોલાવવામાં આવી રહ્યું છે. આ સત્રમાં, કેન્દ્ર સરકાર સીમાંકન અંગેના બંધારણીય સુધારાને બળજબરીથી પસાર કરવાનો ઇરાદો ધરાવે છે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમિલનાડુ અને અન્ય દક્ષિણ રાજ્યોએ અગાઉ કેન્દ્ર દ્વારા સલાહ આપવામાં આવેલા વસ્તી નિયંત્રણ અને પરિવાર નિયોજનના પગલાંનું પાલન કર્યું હતું, પરંતુ હવે સંભવિત પરિણામોનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લોકસભામાં બેઠકોની સંખ્યામાં પ્રમાણસર વધારો કરવાની માંગ કરી હતી.









































