વડવાળા ગાદીપતિ કનીરામ બાપુએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા બંને સમાજના આગેવાનોને શાંતિનો સંદેશ આપતા જણાવ્યું છે કે, બંને સમાજે ઉગ્રતા છોડીને સાથે બેસીને યોગ્ય સમાધાનનો રસ્તો શોધવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવેશમાં આવીને કરવામાં આવતા ઝઘડા કે હિંસાથી બંને સમાજની બદનામી થાય છે, જે બિલકુલ યોગ્ય નથી. આથી, આ પરિસ્થિતિને થાળે પાડવા માટે બંને સમાજના પાંચ-પાંચ પ્રતિષ્ઠિત આગેવાનોએ એકસાથે બેઠક યોજીને આ સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ લાવવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.
કનીરામ બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ પોતે પણ બંને સમાજ વચ્ચે એકતા સ્થાપવા અને વિવાદ ઉકેલવા માટે રૂબરૂ આવશે. તેમણે બંને સમાજને અપીલ કરી છે કે આ મામલો વધુ ન વણસે અને શાંતિ જળવાઈ રહે તે જોવાની જવાબદારી બંને પક્ષના વડીલોની છે.
ઉલ્લેખનીય છે કે, રાધનપુરની સિંગર કિંજલ રબારી અને ત્યારબાદ ભાભરની કંકુ ચૌધરીના પ્રેમ લગ્ન મુદ્દે બનાસકાંઠામાં ગરમાવો જોવા મળ્યો હતો. ગઈકાલે ઉણ ગામે બંને સમાજના લોકો સામસામે આવી જતાં પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની હતી, જેમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.હવે જ્યારે પરમ પૂજ્ય કનીરામ બાપુએ આ મામલે મધ્યસ્થી કરવાની અને શાંતિ જાળવવાની વાત કરી છે, ત્યારે આશા છે કે આગામી દિવસોમાં બંને સમાજ વચ્ચેના સંબંધો ફરી સુધરશે





































