આરોપીઓને જાહેરમાં વરઘોડા કાઢવા, હાથ બાંધીને જાહેરમાં પરેડ કરાવવાની અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પ્રથાને લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં પોલીસની કાર્યવાહી પર સીધો પ્રશ્ન ઉઠાવતા તેને માનવાધિકાર ભંગ ગણાવવામાં આવ્યો છે.
અરજીમાં વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં આરોપીઓને દોરડા વડે બાંધીને, હથકડી પહેરાવીને અને ઘણી વખત મારપીટ સાથે જાહેરમાં ફરાવવામાં આવે છે. આ દ્રશ્યોને પોલીસ દ્વારા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે, જેનાથી આરોપીઓને જાહેરમાં અપમાનિત કરવાની પ્રથા વધી રહી છે.
કાયદાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો, કોઈપણ વ્યક્તિને અદાલત દ્વારા દોષિત જાહેર કરવામાં આવે ત્યાં સુધી ‘નિર્દોષ’ માનવાનો સિદ્ધાંત લાગુ પડે છે. પરંતુ આવા વીડિયો અને જાહેર પરેડ આરોપીને ટ્રાયલ પહેલા જ ‘ગુનેગાર’ તરીકે રજૂ કરે છે, જે ન્યાયપ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ છે.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કાર્યવાહી ભારતના બંધારણ હેઠળ મળતા મૂળભૂત અધિકારોખાસ કરીને માન-સન્માન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરે છે. જાહેરમાં અપમાનિત કરવું અને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવું એ ‘મીડિયા ટ્રાયલ’ જેવું છે, જે ન્યાયિક પ્રક્રિયાને અસર કરી શકે છે.
આ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત, આસામ, હરિયાણા અને મહારાષ્ટ્ર સરકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તે તમામ રાજ્યો માટે એકસરખી અને કડક ગાઈડલાઈન જાહેર કરે, જેથી પોલીસ દ્વારા આવી પ્રથાઓ પર નિયંત્રણ મુકાઈ શકે.
અરજીકર્તાના વકીલ એડવોકેટ ઉત્કર્ષ દવેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કાયદો પોતાનું કામ કરે એ જરૂરી છે, પરંતુ આરોપીઓની જાહેર પરેડ કરવી કે સોશિયલ મીડિયામાં તેમની છબી ખરાબ કરવી એ ન્યાયપ્રણાલી માટે ખતરનાક ટ્રેન્ડ છે. આ માત્ર વ્યક્તિના હક્કોનો ભંગ નથી, પણ સમગ્ર સિસ્ટમની નિષ્પક્ષતાને પણ અસર કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “સુપ્રીમ કોર્ટ જો સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરે તો પોલીસ માટે સ્પષ્ટ સીમાઓ નક્કી થશે અને આરોપીઓ સાથે માનવિય વર્તન સુનિશ્ચિત થશે. આજકાલ ‘વાયરલ વીડિયો’ માટે કરવામાં આવતી આવી કાર્યવાહી બંધ થવી જોઈએ.”
આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે, જેમાં સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા કઈ રીતે માર્ગદર્શન આપે છે અને શું કડક ટિપ્પણીઓ કરે છે તે મહત્વપૂર્ણ રહેશે. દેશભરમાં પોલીસની કામગીરી અને માનવાધિકાર વચ્ચેનું સંતુલન જાળવવા આ કેસ એક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.








































