માણસાઈ અને સંબંધોમાં ક્યારેક નજીવી બાબતો પણ હિંસક વળાંક લેતી હોય છે. ખાંભાના ત્રાકુડા ગામે આવી જ એક વિચિત્ર ઘટના બની છે, જેમાં પિતાને બાઈક પર બેસાડી ગામમાં લઈ જનાર યુવક પર તેના જ ભાઈ સમાન વ્યક્તિએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો અને પિતા સાથે પણ હાથાપાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમજુબેન મગનભાઇ બેચરભાઇ વિંઝુડા (ઉ.વ.૪૫)એ ધીરૂભાઇ કમાભાઇ વિંઝુડા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત મુજબ, તેમનો નાનો દીકરો લલિતભાઈ આરોપીના પિતા કમાભાઈને પોતાના મોટરસાયકલ પર બેસાડીને ગામમાં કોઈ કામ અર્થે ગયો હતો. પોતાના પિતાને લલિતભાઈ બાઈક પર બેસાડીને લઈ ગયા તે બાબત આરોપીને પસંદ આવી નહોતી અને તેનું મનદુઃખ રાખીને આરોપીએ હંગામો મચાવ્યો હતો. આરોપીએ સૌ પ્રથમ લલિતભાઈને ફોન પર બિભત્સ ગાળો આપી હતી. ત્યારબાદ તે પોતાનું મોટરસાયકલ લઈને તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે તેમની સાથે ગાળાગાળી કરી ધક્કામૂક્કી કરી હતી. આરોપીએ તેમને જોરથી નીચે પછાડી દેતા તેમને માથાના પાછળના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હતી. આરોપીએ લલિતભાઈ અને તેના પિતાને જાહેરમાં ગાળો ભાંડી હતી અને જતી વખતે ‘તમને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ હિંસક વર્તનથી પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો. આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત
વૃદ્ધનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એમ. મેવાડા વધુ તપાસ કરી રહ્યા છે.









































