રાગ – વૈરાગ – ૨૮
હું શું બોલું એ જ મને સમજાયું નહીં. આ એ પુરૂષ હતો? જેને મેં અગ્નિની સાક્ષીએ મારો પતિ માન્યો હતો? આ એ પુરૂષ હતો જે બોલતો હતો કૈંક, અને વિચારતો હતો કેંક?! એને હું છાતી ચીરીને ય કેમ બતાવી શકું કે એ રાતે કદાચ હું અખંડ રહી હોઉં તો માત્ર એને જ કારણે, જેની ઉપર તું આવો હલકટ આરોપ મૂકે છે?! પણ એની આંખોએ પાટા બાંધેલા હતા.
‘‘મારા સમણાં ચકનાચૂર થઈ ગયા…’’. બોલતા બોલતા એ રડી પડી..! એ પહેલી રાત અને કાલની છેલ્લી રાત..!! રોજરોજ પાંપણો ભીંજાતી રહી અને હૈયામાં રહેલું આશાનું મીણ રોજેરોજ બળતું ગયું…
‘‘ ઓહ…બહુ કરી..ભારે કરી..’’આનંદ એક હાથમાં બીજા હાથની મુઠ્ઠીઓ પછાડતો આમથી તેમ આંટા મારવા લાગ્યો રૂમમાં! ફાટફાટ ગુસ્સો તેની આંખમાં છવાઈ વળ્યો. એ ચીખ જેવા અવાજે બોલ્યો: “પણ તારે એને કહી ન દેવાય કે આપણે ક્યાં હતા અને શું કામ હતા?’’
“મેં બધી જ વાત કરી એને કટકે… કટકે… રડતા રડતા..! કે, મારું શિયળ બચાવવા એ માણસ
આખી રાત મોદળિયા ડુંગરની ડુંગરમાળામાં આમથી તેમ લપાતો છૂપાતો રહ્યો. જો હાથમાં હું આવી જાત, તો હું લૂંટાઈ ગઈ હોત. મોહન! હું અક્ષત જ છું. અને મનથી અને તનથી પવિત્ર જ છું. મારામાં વિશ્વાસ રાખો…! આ તો મારા ભાઈ અરજણ અને તેના મળતિયાઓનું કારસ્તાન હતું. પણ કાચા કાનના મારા બાપુ પણ ક્યાં માન્યા’તા?
અરે, જે બાપને તેની દીકરી ઉપર વિશ્વાસ ન હોય એજ સ્ત્રી ઉપર તેના પતિને તો ક્યાંથી વિશ્વાસ આવેય પણ?
– બંધ ઓરડે અમે અજાણ્યા પરદેશી મુસાફર બની જતા! અને દિવસ ઉગ્યે અમે પતિપત્ની બની જતા. જૂદારો ધીરે ધીરે વધવા લાગ્યો. ધીમે ધીમે બે ભાગ પડી ગયા. ત્યાં સુધી અમે ચાર આંખ પણ મેળવી નથી. સમજો છો તમે !! એને મન હું એક માંસની માટીનું પૂતળું હતી. જે ઓરડામાં નીચે એકકોરના ખૂણામાં પડી રહેતી!
દિવસો વીતતા રહ્યા એમ મને સંસાર ઉપરનો વિતરાગ પણ વધતો રહ્યો. સાસરે રહું કે પિયરમાં રહું? બધું જ સરખું હતું?
પિયરમાં જાઉં તો મારા બાપુ મને બોલાવતા ય નહીં. એમને મનમાં એક ફાંસ ખડકતી હતી કે મેં એમના નામની આબરૂ બોળાવી દીધી છે!
આખા ગામમાં પણ એજ વાતો ચાલતી રહેતી. મને થયું કે, ગામને મોઢે ક્યાં ક્યાં ગરણું બાંધવા જઉ? અને મારા માવતરને પણ હું એક બોજ લાગવા માંડી હતી. કદાચ સાતમઆઠમના કે ભીમ અગિયારસના પરબમાં કે પછી વાર તહેવારે મળવા જતી. ત્યારે ત્યારે એ દટાઈ ગયેલી સાચી ખોટી વાતુંનો મધપૂડો છંછેડાતો. અને એમાંથી ઊંડેલી કેટલીય માખીઓ અફવા બનીને મારા માવતરના કાળજે ડંખ મારતી રહેતી.
અચાનક તેની આંખમાં પાણી ભરાઈ આવ્યા અને પછી ટપ્ ટપ્ કરતા ટીપાં પડી રહ્યા. આનંદ ઊભો થયો. એના માથામાં વહાલને વાસ્તે ફેરવવા ધારેલો હાથ પાછો પડ્યો એ બેસી ગયો. રૂપાના ગાલ ઉપર એ આંસુના ટીપાં રેલો બનીને વહી નીકળ્યા..એણે પોતે જ આંસુ લૂછ્યા અને વાતનું પુનઃસંધાન કરતા બોલી ઃ
‘પણ એકવાર હદ થઈ ગઈ સાહેબ..’
‘શું થયું?’
‘હું લગ્નના એક દોઢ વરસ પછી માવતરને મળવા ગઈ’. બસમાંથી ઉતરી ને ઘરતરફ જવા નીકળી તો, મારા બાપુ ગાડું લઈને સામા આવતા હતા. મારી બા પણ અંદર જ બેઠી હતી.
‘બાપુ…’ મેં મારા બાપુને હરખથી બોલાવ્યા. પણ એમણે મારા સામું જોયું પણ નહીં. મને એમ થયું કે આંખોમાં ઝાંખપ આવી છે. તે મને ઓળખી નહીં શક્યા હોય…? એટલે મેં હાથ હલાવી ગાડાની આડી ઊભી રહીને હસી પડતાં કહ્યું ઃ ‘એ બાપુ…હું છું. તમારી રૂપલી..? જુઓ તો ખરા…’
એણે રાશ ખેંચીને બળદિયાને ઊભા રાખ્યા. પછી મને કહ્યુંઃ હું નથી ઓળખતો તને, કે તું કોણ છે? મારી દીકરી મરી ગઈ છે. અને મારી આબરૂને ઉઘાડી કરીને મરી છે. હવે એ જીવતી હોય તોય મારે શું નિસ્બત છે? “મારે કોઈ રૂપા નામની દીકરી હતી. એ નામનું જ મેં નહાઈ નાખ્યું છે સમજી? હવે તારૂ કાળું મોઢું કોઈ દિવસ બતાવતી નહીં.”
અરે મારા હાથમાંથી સૂટકેશ પડી ગઈ. હું રસ્તામાંથી હટી ગઈ અને મારા બાપુએ મારી સામે તિરસ્કાર ભરી નજર નાખી ગાડું મારી મૂક્યું..
મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો વચ્ચે જતા હતા. મેં મારી બા સામે જોયું. જેમ કોઈ વહાલથી વલખતી વાછરડી પોતાની મા સામે દોડીને ચાંટતી ચાંટતી જોતી હોય. પણ મારી મા એય મોઢું ફેરવી લીધું. અને હું કાયમને માટે પિયર ને આવજે.. કહી ભાંગલ પગે પાછી વળી ગઈ… “કેમ, ત્યાં ય નો સમાણી ?” ઘરે આવી ત્યારે રાત્રે એણે દાઢમાં ટોણો મારતા કહ્યુંઃ “જેણે માબાપની આબરૂ વેચી ખાધી હોય એના મૂલ પિયરમાંય ન હોય.. તારી કિંમત તારા માવતરે’ય ન કરી. સારૂ છે કે હું તને સાચવું છું.”
એ ઘડી એ દિવસ અને એ રાત…! હું ક્યારેય ભૂલી શકતી નથી સાહેબ!
‘‘દિવસો વીત્યાં પણ મારા સાસુ- જેઠાણી અને નણંદને એમને ગમતા કોઈ સમાચાર સાંભળવા ન મળ્યા એટલે મારી ઉપર મેણાંટોણાંનો વરસાદ શરૂ થયો.
એબ તો અસ્તરીમાં જ હોય છે ને સાહેબ!!
એ કરૂણતાભર્યું હસી-પુરુષમાં તો ક્યાં ક્યારે ય ખામી હોયજ છે?
એબ, ખામી બધી બધાં જ સૌ મારામા માં જ શોધી વળ્યા.
બાઈમાં જ ખામી છે. વહુ જ અધૂરી છે.
મારા ઉપર દોરા ધાગા કંઠી- કંઠા તાવીજ માદળિયા, દેવ દેરા, ખાંભીપાળિયા શરૂ થયા. આજે અહીં, કાલે કહીં, પરમ દિવસે વળી ક્યાંક બીજે!
– ઘણાં મઢમાં ભૂવાની વિધિવિધાન સંગ રાત પાડવાની રહેતી એ ઓરડામાં હું એકલી ફફડતી! માતાની મૂર્તિ સામે હાથ જોડીને પ્રાર્થના કરતી કે હે મા! હે જગજનની! મારૂશિયળ અખંડ રાખજે મા!
“પણ તારો પતિ વિરોધ નહોતો કરતો? બોલાવ્યે ચલાવ્યે તો
સારો લાગતો હતો મને.”
“એને આમાં પાશવી આનંદ મળતો! અંદરની વાત અને ઓરડાનો ભેદ તો અમે બન્ને જાણતાં જ હતાં. પણ ઘરનાંને ક્યાં ખબર હતી? એ મુખવટો પહેરીને જીવતો આદમી હતો!!’’
અંતે અમારા કોઈ વડીલે સલાહ આપી કે આ ભૂત ભૂવા ભારાડી માં એકલા વહુને ન મોકલાય, આ લોકોને દવાખાને મોકલો.
ગામમાં એક દાક્તર હતા. મારા ધણિએ મારી વિરૂધ્ધ તરકટ રચી કાઢ્યું. દાક્તર ઘરે આવ્યા ને મારા સાસુને કહી દીધું કે, ખામી તમારી વહુમાં છે!
એ દિવસ નો સૂરજ મારે માટે કાળો સૂરજ બનીને ઊગ્યો સાહેબ! દાકતરને પૈસા ધરબી દીધા’તા. તરકટી દુનિયાની મને એવી તો શું ખબર પડે? તપાસ કરવા લઈ ગયા. બેત્રણ નર્સે તપાસ કરી. અંતે ફરફરિયું લખાઈને આવી ગયું. મારી ઉપર દુઃખના ઝાડવા ઊગાડયા આ કાગળિયાએ! મારા પિયર કહેણ મોકલાવ્યું. મારી બા આવી. ફરફરિયું વંચાવ્યું કહ્યું કે તમારી દીકરી વંશનો વેલો આપી શકે એમ જ નથી. બા હતપ્રભ થઈ ગઈ. મારા સાસરિયાએ અને મારા ધણિએ’ય કહ્યું કે આની જરૂર નથી…આને લઈ જાવ. પણ મારી બાએ હાથ જોડીને કહ્યુંઃ ‘હું લઈ જઈ શકું એમ નથી… તમારે જે રસ્તો કરવો હોય તે છૂટ છે.’ “અરે મા! તું? તું ઉઠીને.
અત્યારે એ એટલું તો માંડ બોલી શકી અને છુટ્ટા મોઢે રડી પડી. હારબંધ ડૂસકાં રૂમની દિવાલે અથડાઈને પાછાં વળ્યા!! અને કરપીણ દર્દ બંનેના હૈયાને વહેરતું રહ્યું..(ક્રમશઃ)












































