રાજુલા તાલુકાના ઘાતરવડી પુલ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંડોરણાથી વાવેરા રોડ ઉપર આવેલી ક્વોરી ભરડિયામાં મટિરિયલ ભરવા જતો ટ્રક અચાનક પુલ પરથી આશરે ૩૦ ફૂટ નીચે ખાબક્યો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઊઠતાં ટ્રકચાલક જીવતો જ દાઝી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ૧૧૨ ઇમરજન્સી સેવા, પોલીસ અને રાજુલા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે લગભગ બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક ટ્રકચાલકની ઓળખ અજય નાગભાઈ ભાલીયા તરીકે થઈ છે. આગની તીવ્રતા એટલી હતી કે તેમના શરીરના માત્ર અવશેષો જ મળી આવ્યા હતા. અવશેષોને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.







































