સરદાર પટેલની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે
નાગરિકોની સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જાડાયા
ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. અમરેલી સ્થિત સરદાર સર્કલ (સેન્ટર પોઈન્ટ)થી ‘રન ફોર યુનિટી’ને રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉમળકાભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી સ્થિત સરદાર સર્કલ થી પૂ.હરિરામબાપા ચોક, નાગનાથ મંદિર, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજાઈ હતી. જેમાં ડી.એલ.એસ.એસ.ના બાળકો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો-અધિકારીઓ સહિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા. ‘રન ફોર યુનિટી’ અંતર્ગત શહેરના નાગરિકો સહિત સૌ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ને ‘વિકસિત ભારત’ બનાવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા સંકલ્પબદ્ધ થયા હતા. ’રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ભવ્ય ઉજવણીમાં અમરેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો, પદાધિકારીઓ, અમરેલી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના સંતો, ઇન્ચાર્જ પોલીસ વડા, પ્રાંત અધિકારીઓ, જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.










































