સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરના અપૂરતા અને અનિયમિત પુરવઠાને લઈને ધારાસભ્ય મહેશ કસવાલાએ જિલ્લા કલેકટર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના અધિકારીઓને તાત્કાલિક રજૂઆત કરી છે. શહેરમાં છેલ્લા એક વર્ષથી ગેસ સિલિન્ડરના પુરવઠાની સમસ્યા યથાવત્ રહેતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે પણ લોકો ગેસની અછત અંગે ફોન કરીને પોતાની ફરિયાદો રજૂ કરી રહ્યા છે. રોજિંદા જીવનની આવશ્યકતા એવા ગેસ સિલિન્ડર માટે લોકોને પરેશાન થવું પડે તે યોગ્ય નથી. આ સમસ્યાની તપાસ કરી સાવરકુંડલામાં પૂરતો અને નિયમિત ગેસ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ ગેસ એજન્સીના ટ્રાન્સફરની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય અને તે દરમિયાન વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન આવે તેની તકેદારી રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે. સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.






































