લીલિયાના સલડી ગામે પૈસાની લેતીદેતીમાં ગાળો ભાંડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. મનોજભાઈ રૂપાભાઈ ચારોલિયા (ઉં.વ. ૩૫)એ જરખિયા ગામના સાગરભાઈ જગાભાઈ ચારોલિયા, નરેશભાઈ જગાભાઈ ચારોલિયા, ભારતીબેન ચારોલિયા તથા નરેશભાઈ ચારોલિયાનાં પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના કાકા જગાભાઈ માવજીભાઈ ચારોલિયા પાસેથી તેમને વ્યવહારિક પૈસા લેવાના બાકી હતા, જે બાબતે આજથી દસેક દિવસ પહેલાં ટોડા ગામ પાસે સાગરભાઈ અને નરેશભાઈ સાથે તેમને બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને ગાળો ભાંડી હતી. સાગરભાઈએ હાથમાં રહેલા ધારિયા જેવા હથિયાર વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ તેમને ઢીકાપાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.