સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે ગેલેરીની જગ્યાના ઉપયોગ અને મકાનના ચણતર કામ મામલે ચાર શખ્સોએ એકસંપ થઈ લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, વાંશીયાળીના રહેવાસી ફરિયાદી પ્રેમજીભાઇ ડાયાભાઇ બગડા (ઉં.વ. ૫૫) એ પોતાના મકાનની પાછળ આવેલી માલિકીની ગેલેરીની જગ્યા બાજુમાં મકાનનું ચણતર કરી રહેલા હસુભાઇ ભીમજીભાઇ બગડાને વાપરવા આપી હતી.તા. ૨૧/૧૧/૨૬ ના રોજ સવારે દસેક વાગ્યે આરોપીઓ વશરામભાઇ, જીતુભાઇ, અજયભાઇ અને કમલેશભાઇએ આવી ગેલેરીની ચારેક ફૂટ જગ્યા પોતાની હોવાનું કહી દૂર બાંધકામ કરવા જણાવ્યું હતું. ફરિયાદી અને સાહેદ નથુભાઇએ જગ્યા હસુભાઇને વાપરવા આપી હોવાનું કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ આરોપી અજયભાઇએ પાઇપ વડે ફરિયાદીને પીઠ અને ડાબા પગમાં, જ્યારે વશરામભાઇ અને જીતુભાઇએ લાકડી-પાઇપ વડે સાહેદ નથુભાઇ અને મધુભાઇ કરશનભાઇને પગમાં માર માર્યો હતો. વચ્ચે પડેલા કંચનબેન અને મધુબેનને ધક્કામુક્કીમાં પીઠના ભાગે મૂઢ ઇજા થઈ હતી. આરોપી જીતુભાઇએ બાંધકામ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષે જીતુભાઇ વશરામભાઇ બગડા (ઉં.વ. ૩૬) ના મકાન પાછળ હસુભાઇ ભીમજીભાઇ બગડાએ ચણતર કામ શરૂ કરતાં ગેલેરીની જગ્યા પોતાની હોવાનું કહી ફરિયાદીએ વાંધો ઉઠાવ્યો હતો. હસુભાઇએ જગ્યા પ્રેમજીભાઇ પાસેથી વાપરવા લીધી હોવાનું કહેતાં પ્રેમજીભાઇએ આવી ચારેક ફૂટ જગ્યા પોતાની હોવાનું જણાવી ગાળો આપી હતી. બાદમાં પ્રેમજીભાઇએ પાઇપથી સાથળ પર, નથુભાઇએ ઢીકાપાટુથી અને મધુભાઇએ લાકડીથી પગમાં માર મારી ધક્કો મારતાં કપાળમાં ઇજા થઈ હતી તથા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.બંને પક્ષની ફરિયાદને લઈ વંડા પોલીસે તપાસ હાથ ધરી છે.




































