અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસ રસ્તા પરથી ઉતરી ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈક પર સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સાવરકુંડલાથી અમરેલી તરફ આવી રહેલી એસટી બસ સાથે બાઈકની ગંભીર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક પર સવાર પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં પરિવારના પિતા, પુત્ર અને પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. બે માસૂમ બાળકો સહિત દંપતીનાં મોતથી સોલંકી પરિવાર પર આભ ફાટી પડ્‌યું હતું. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી દેવભૂમિ દેવળિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ જતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળા સહિત કુલ પાંચ વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતાને પગલે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી બનાવના કારણો જાણવા તપાસ શરૂ કરી હતી. એક જ દુર્ઘટનામાં એક પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનાં મોતની ઘટનાએ સમગ્ર અમરેલી પંથકને હચમચાવી દીધો હતો.

મૃતકોના નામ
ગોગન બટુકભાઈ સોલંકી, ઉંમર ૩૭ વર્ષ
ધૃતિ ગોગનભાઈ સોલંકી, ઉંમર ૬ મહિના
નીતિન ગોગનભાઈ સોલંકી, ઉંમર ૪ વર્ષ
હિરલબેન ગોગનભાઈ સોલંકી, ઉંમર ૩૫ વર્ષ
મેહુલ દિલુભાઈ વાળા, એસ.ટી. ડ્રાઈવર

સિવિલ હોસ્પિટલે મંત્રી કૌશિક વેકરિયા,ભરત સુતરીયા સહિતના આગેવાનો પહોચ્યા
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછી તેમને યોગ્ય સારવાર મળે તે અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. વિભાગીય નિયાયક ભાવેશ પટેલ, ડેપો મેનેજર દવે અને તાલુકા પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો..

મૃતકનો પરિવાર સા.કુંડલા ખબર અંતર પુછવા જતો હતો

મૃતક ગોગનભાઈ સોલંકી તેના પત્ની અને બે બાળકો સાથે દેવળીયાથી સાવરકુંડલા સબંધીના ખબર અંતર પુછવા માટે જતા હતા પરંતુ તેઓને ક્યાં ખબર હતી સાવરકુંડલા પહોચ્યા પહેલા જ મોત રસ્તામાં ટાંપીને બેઠુ છે. બોલેરો સાથે અકસ્માત થયા બાદ એસ.ટી.બસના ચાલક બસમાંજ બેભાન થયા હતા અને બસ રોંગ સાઈડમાં ઉતરી જતા સામેથી આવતા મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જયારે પરિણીતા હિરલબેનને ગંભીર હાલતમાં અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતુ.