બાબરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધી રહી છે. ખંભાળા, નાની કુંડળ અને કોટડાપીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા પશુઓના મારણના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે બાબરા શહેરમાં પણ સિંહ આવી પહોંચતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. બાબરા-નિલવળા રોડ પર જૂના તળાવ નજીક સિંહે એક ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારબાદ સિંહ નજીકની વાડીમાં હોવાની માહિતી મળતાં લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. શહેર નજીક સિંહની હાજરીથી ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. ખુલ્લામાં પશુધન ચરાવતા લોકો અને ખેતરોમાં રહેતા પરિવારોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
વન વિભાગ દ્વારા તકેદારીનાં પગલાં ભરવાની માંગ ઉઠી છે. લોકોએ સિંહથી સુરક્ષિત અંતર જાળવવા અને ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે.