રાજુલા શહેરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ હોસ્પિટલના મેઈન ગેટ પર લગાવવામાં આવેલું બોર્ડ ઝાડની ડાળીઓમાં ઢંકાઈ ગયું છે. હોસ્પિટલના ગેટ પાસે જ બોર્ડનો મોટાભાગનો ભાગ ડાળીઓથી ઢંકાયેલો હોવાથી બહારગામથી આવતા અજાણ્યા દર્દીઓને હોસ્પિટલ ઓળખવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. દર્દીઓ હોસ્પિટલના ગેટ પાસેથી પસાર થઈ જાય છે, છતાં બોર્ડ સ્પષ્ટ દેખાતું નથી. ઇમરજન્સીના સમયે એક-એક મિનિટ કિંમતી હોય છે ત્યારે આવી બેદરકારી દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટરો કે સફાઈ કર્મચારીઓનું પણ આ બાબતે ધ્યાન ન જતું હોવાની ચર્ચા છે. ત્યારે હોસ્પિટલ તંત્ર અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઝાડની ડાળીઓ કાપી બોર્ડ સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.