લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. ઉપસરપંચે રિવોલ્વર અને લાકડાના ધોકાથી દબાવવાનો પ્રયાસ કરતા પાંચ શખ્સો સામે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. લાઠીના અડતાળા ગામે હાલ સુરત રહેતા અંકિતભાઈ છગનભાઈ સાવકીયા પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયા હતા. જયાં ઉપસરપંચ જીતુભાઈ વાળા રિવોલ્વર લઈને નીચે ઉતર્યા હતા અને પાંચ લોકોએ એક સંપ કરી યુવાને માર માર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓ દિલીપ ભાયાભાઈ વાળા, નિલેશ ભીખુભાઈ વાળા અને રઘુવીર અનકભાઈ વાળા નામના શખ્સોની પોલીસે અટકાયત કરી હતી જયારે ઉપસરપંચ જીતુભાઈ ભાયાભાઈ વાળા અને મહેશભાઈ ભીખુભાઈ વાળા નામના શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.






































