અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ તસ્કરો દ્વારા મંદિરો અને રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવતાં હતાં, પરંતુ હવે તસ્કરોએ ગામડાંની સીમ અને ખેતરો તરફ પણ નજર દોડાવી છે. ખેતીવાડી વિસ્તારમાં વીજળીની લાઇનોમાંથી કોપર વાયર સહિતની કિંમતી સામગ્રીની ચોરીના બનાવો સામે આવતાં ખેડૂતોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કરો હવે માત્ર વીજળીના વાયરની ચોરી સુધી સીમિત રહ્યા નથી, પરંતુ ખેતરોમાં લગાવવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી કોપર અને ઓઇલની ચોરી કરવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. રાત્રિના અંધકારનો લાભ લઈને તસ્કરો ખેતરોમાં પ્રવેશ કરે છે અને વીજસામગ્રીની ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવા બનાવોને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની સાથે ખેતીના કામમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને ગામડાંની સીમમાં રાત્રિના સમયે પૂરતી દેખરેખના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું હોવાની ચર્ચા ખેડૂતોમાં થઈ રહી છે. એક તરફ ખેતીમાં મોંઘા બિયારણ, ખાતર, દવા અને વીજળીના ખર્ચથી ખેડૂતો પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેતરોમાં થતી ચોરીના બનાવો તેમની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે.ચોરીના વધતા બનાવોને પગલે પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની નિયમિત અવરજવર અને દેખરેખ વધારવામાં આવે તો આવા બનાવો પર અંકુશ મેળવી શકાય તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવતા ગ્રામ રક્ષક દળના જવાનોને પણ રાત્રિના સમયે સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માગ ઊઠી છે.ખેડૂત સંગઠનો દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા અને ચોરીના બનાવોમાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવા માટે અસરકારક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. સીમ વિસ્તારમાં ખેડૂતોની મહેનત અને કિંમતી વીજસામગ્રીની સુરક્ષા જળવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની રહી છે. હવે પોલીસ તંત્ર આ વધતી જતી સીમચોરીની સમસ્યાને ડામવા કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.








































