ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) અને કોટડીપરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયના કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું. સમૂહખેતી ગામ ખાતે રાજ્યપાલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગોવિંદસાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલનું ગામમાં આગમન થતાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના એનસીસી કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. ખાસ વાત એ રહી કે રાજ્યપાલે ગામની મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી મૌર્ય, એએસપી જયવીર ગઢવી, રાજુલા પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ, ગામના
સરપંચ, સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલે અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના જીવાભાઈ ધાખડાના ઘરે મુલાકાત લઈ પરિવારનું આતિથ્ય માણ્યું હતું. પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમના ખબર-અંતર પૂછ્યા બાદ સાદું અને સાત્વિક ભોજન લીધું હતું. પરિવારની બહેનોએ તૈયાર કરેલા ભોજનનો સ્વાદ માણ્યો હતો. રાજ્યપાલના આ સહજ વ્યવહારથી પરિવાર ભાવવિભોર બન્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































