રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલા વ્યાપક ચેકિંગ દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો ખુલાસો થયો છે. માધાપર સ્થિત ‘ઈમ્ ફૂડ પ્રોડક્ટ્સ’માંથી લેવાયેલા ટોમેટો સોસના નમૂનામાં સિન્થેટિક ફૂડ કલર ‘કાર્મોઝિન’ મળી આવતાં તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. આ ઉપરાંત પરાબજાર અને મવડી વિસ્તારમાંથી લેવાયેલા ઘીના બે નમૂનામાં વેજિટેબલ ફેટ તથા લાતી પ્લોટમાંથી પનીરનો નમૂનો પણ ધારાધોરણ મુજબનો ન નીકળતાં સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. આ તમામ કિસ્સાઓમાં સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની એડજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરાઈ છે.
તપાસ દરમિયાન માધાપરના ઈશ્વરીયા રોડ પર આવેલી આરબી ફૂડ પ્રોડક્ટ્સમાંથી લૂઝ ટોમેટો સોસનો નમૂનો લેવાયો હતો, જેમાં અમાન્ય કલર મળી આવ્યો હતો. આ સોસ ‘ફ્રૂટ સોસ’ના નામે ૫ કિલો રૂ. ૨૫૦ લેખે વેચાતો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત પરાબજાર કોર્નર પર આવેલી પેશુમલ ચેલારામ એન્ડ કંપનીમાંથી ‘વાસ્તુ અગમાર્ક ઘી’ અને મવડી મેઈન રોડ પર જલારામ ઘી ડેપોમાંથી લેવાયેલા નમૂનામાં વેજિટેબલ ફેટ મળી આવ્યું હતું. જ્યારે લાતી પ્લોટ શેરી નં-૪માં આવેલી ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સના લૂઝ પનીરમાં પણ ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું હતું.
ફૂડ વિભાગની ટીમે કુલ ૪૭ પેઢીઓમાં તપાસ કરીને ૩૭ કિલો અખાદ્ય, વાસી તેમજ એક્સપાયર્ડ ખોરાકનો નાશ કર્યો હતો. કોઠારિયા રોડ પરની શિવ પંજાબી ચાઈનીઝ અને કાલાવડ રોડ પરની વર્ણીરાજ રેસ્ટોરન્ટમાંથી વાસી ખાદ્યસામગ્રી મળતાં બંનેને હાઈજેનિક કંડિશન અંગે નોટિસ આપી રૂ. ૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. તહેવારોને ધ્યાનમાં રાખીને વધુ ૧૪ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે.






































