લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તાલુકા કક્ષાનો ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસ, લીલીયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘જોશ ટીમ’નો રાષ્ટ્રીય કક્ષાએ શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લીલીયા તાલુકાની ટીબી મુક્ત જાહેર થયેલી ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. ગ્રામ્ય સ્તરે ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંતર્ગત થયેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદકીયાના નેતૃત્વ હેઠળ લીલીયા તાલુકા ‘જોશ ટીમ’ની રચના કરવામાં આવી હતી. ટીમનો મુખ્ય હેતુ ટીબી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, લક્ષણોની માહિતી આપવાનો અને ટીબી મુક્ત ભારતના સંકલ્પમાં જનભાગીદારી વધારવાનો છે. ટીમમાં મેડિકલ ઓફિસર ડો. જય વાઘેલા, આંગણવાડી સુપરવાઇઝરો, એનસીસી કેડેટ્‌સ અને એનએસએસના સ્વયંસેવકોનો સમાવેશ કરાયો છે.