સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દર મહિનાના પ્રથમ શુક્રવારે આયોજિત થતા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અંતર્ગત ૨ અક્ટોબરના રોજ પ. પૂ. શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની સ્મૃતિમાં ૩૫૧મા વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞ યોજાયો હતો. આ નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પ. પૂ. શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે થયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અમેરિકા (ડલાસ)ના મુખ્ય દાતા ભારતીબેન મનુભાઈ કોરડીયા, વિરનગર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો, ગુરુકુળ હોસ્પિટલના ડા. નિલેશભાઈ ત્રિવેદી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૭૦ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૨ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા, તેઓને ગુરુકુળ દ્વારા વિરનગર આંખની હોસ્પિટલ ખાતે સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે ચશ્મા તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.






































