રાજુલામાં સોલાર પેનલનો સામાન સપ્લાય કરવાના બહાને એક વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે છ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવેશભાઈ મંગળભાઈ શિયાળ (ઉ.વ.૪૨)એ સ્નેહા – રહે.મુંબઇ, કુલદીપ પટેલ – રહે.સુરત, રવિન્દ્ર પાટીલ – રહે.મુંબઇ, આયુશ ઉપાધ્યાય – રહે.મુંબઇ, મહેશ ઠાકુર – રહે.મુંબઇ, રાહુલ દીલીપરાવ અહેર – રહે.મુંબઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણામાં તેમનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે તેમની ‘સનરૂટ એનર્જી સોલ્યુશન’ કંપની પાસેથી સોલાર પેનલનો માલ ખરીદો. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ સોલાર પેનલ પહોંચાડવાની ખાતરી આપી ફરિયાદીનો ભરોસો જીત્યો હતો. સોલાર પેનલના બિલ પેટે તેમની પાસેથી તબક્કાવાર જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨૪,૨૧,૦૦૦ જમા કરાવી લીધા હતા. નાણાં મેળવી લીધા બાદ માલ મોકલવા અંગે માત્ર વાયદાઓ જ કરવામાં આવ્યા હતા, પરંતુ સોલાર પેનલ મોકલી નહોતી. તેમણે નાણાંની ઉઘરાણી કરતાં આરોપીઓ પૈકી ત્રણ શખ્સોએ રોકડા રૂ. ૫૦,૦૦૦ પરત આપ્યા હતા અને અન્ય એક આરોપીએ ફોન-પે મારફતે રૂ. ૧૧,૦૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. આમ, આંશિક રકમ ચૂકવ્યા બાદ પણ બાકી નીકળતા રૂ. ૧૯,૦૦,૦૦૦ ની રકમ પરત ન કરી તેમજ સોલાર પેનલનો માલ પણ ન પહોંચાડી, તમામ છ આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.






































