મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા અમરેલીના જેસિંગપરા સ્થિત અંબિકા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન વિલાસબહેન દેસાઈના માર્ગદર્શન હેઠળ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. કુંકાવાવ, લાઠી અને સાવરકુંડલા સહિતના ઘટકોની બહેનોએ બર્ગર, મન્ચુરિયન, રવાના ઢોસા, રાગી સૂપ અને મિલેટ કેક જેવી વાનગીઓ બનાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીની બહેનોની કામગીરીને બિરદાવી હતી. વિજેતા બહેનો રાજકોટ ખાતે યોજાનારી ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.









































