છેલ્લા સાત-આઠ વર્ષથી વડિયા પંથકમાં સિંહો સહિત દીપડા, હરણ, વાંદરા અને નીલગાય જેવા વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે લીલીયા વાઈલ્ડ લાઈફ હેઠળ આવતા આ વિસ્તારમાં વન વિભાગની કચેરી નહીં હોવાના કારણે કામગીરી ચાર્જ અને ટ્રેકર આધારિત ચાલી રહી છે. હાલ બે કર્મચારી તાલીમમાં હોવાના કારણે વ્યવસ્થા વધુ મુશ્કેલ બની છે.
હનુમાન ખીજડીયા ગામે દીપડાએ સાત વર્ષીય બાળક પર હુમલો કર્યો હોવા છતાં લોકો કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અગાઉ ગામમાં દીપડો કુતરાનો શિકાર કરતો સીસીટીવીમાં પણ દેખાયો હતો. અરજણસુખ ગામે સિંહણે પાંચ લોકો પર હુમલો કરતા વન વિભાગે સિંહણને પાંજરે પુરવી પડી હતી. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે વડિયા તાલુકા મથકે પૂરતા સ્ટાફ અને સવલતો સાથે વન વિભાગની કચેરી ફાળવવામાં આવે તેવી ખેડૂતો, પશુપાલકો અને સિંહપ્રેમીઓમાં માંગ ઉઠી છે.







































