જાફરાબાદના બાબરકોટ ગામે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા, સેવા અને શ્રમની ભાવનાને જીવનમાં ઉતારવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ-યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સના કર્મચારીઓ, બાબરકોટ ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગામમાં સાફ-સફાઈ કરી શ્રમદાન કર્યું હતું. કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છ અને સ્વસ્થ ગામના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ અભિયાન દરમિયાન ગામમાં સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે અને દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી ગામને સ્વચ્છ રાખે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. અભિયાન થકી ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાઈ હતી.































