જાફરાબાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં BSNLમોબાઇલ નેટવર્કની કથળેલી સેવાને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એકાદ માસથી BSNLના ટાવરોમાં ઈન્ટરનેટ સેવા યોગ્ય રીતે ચાલતી ન હોવાના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. અનેક વિસ્તારોમાં મોબાઇલ કવરેજ પણ યોગ્ય રીતે મળતું નથી અને ઈન્ટરનેટની સ્પીડ ખૂબ જ નબળી રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન કામગીરી કરવામાં ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે. ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જના કારણે લોકો BSNLના સસ્તા ટેરિફનો ઉપયોગ કરે છે, પરંતુ યોગ્ય નેટવર્ક ન મળતાં મુશ્કેલી વધી છે. ડિજિટલ યુગમાં ઓનલાઈન શિક્ષણ, બેન્કિંગ અને સરકારી સેવાઓ માટે ઈન્ટરનેટ જરૂરી બન્યું છે. તેથી BSNL તંત્ર દ્વારા ટાવરોની ટેકનિકલ તપાસ કરી નેટવર્ક અને ઈન્ટરનેટ સેવામાં સુધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.